મોરબી: કાશ્મીરમાં શાળામાં ઘૂસી શિક્ષકોની હત્યાના વિરોધમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી દ્વારા અધિક કલેક્ટર એન.કે.મુછારને આવેદન આપવામાં આવ્યું હતું. આતંકવાદીઓને તાત્કાલિક પકડી પાડી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી.
તા.10/09 ના રોજ આતંકવાદીઓ સંગમ ઇદગાહ ખાતે આવેલી સરકારી કુમાર શાળામાં ઘૂસી ગયા હતા. ત્યાં કરેલ ગોળીબારમાં અલોચી બાગ વિસ્તારમાં રહેતા શિક્ષક સુપિન્દર કૌર અને મૂળ જમ્મુના રહેવાસી શિક્ષક દીપકચંદના મોત થયું હતું. ભારત સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કર્યા પછી કાશ્મીર ખીણમાં તાજેતરમાં જ ‘ધ રેસિસ્ટન્સ ફૉસ’ ઊભરી આવી છે, આ જ સમયમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ નો એક ખતરનાક ટ્રેન્ડ શરૂ થઈ રહ્યો છે, આતંકીઓ એ હવે મોટા હુમલા કરવાના બદલે નિશાન બનાવીને નાગરિકોની હત્યા કરવાનું શરૂ કર્યું છે. સમાજનું ઘડતર કરી રાષ્ટ્રીય ચારિત્ર્ય નિર્માણ કરી રહેલા શિક્ષકો ઉપરના હુમલાને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાજ્ય દ્વારા વખોડી કાઢવામાં આવે છે, અને જલ્દી આતંકવાદીઓને પકડી યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરે છે.
ત્યારે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી દ્વારા કાશ્મીરમાં શાળામાં ઘૂસી શિક્ષકોની હત્યાના વિરોધમાં આવેદન આપવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના સૌ શિક્ષક પરિવાર વતી મૃતક શિક્ષકોના આત્માને શાંતિ મળે તથા એમના પરિવાર જનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પરમ કૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના કરીને દિનેશભાઈ ડી.વડસોલા અને સંદીપભાઈ લોરીયા અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા અધિક કલેકટર એન.કે.મુછારને આવેદનપત્ર અર્પણ કરેલ છે.