જામનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા જામનગર મહાનગરપાલિકા આરોગ્ય શાખા સાથે સંકલન કરી એમ.પી.શાહ વૃદ્ધાશ્રમમાં આશ્રિત વૃદ્ધ વડીલોના આયુષ્માન વય વંદના કાર્ડ કાઢવા અર્થે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં જેમાં જામનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારીએ ઉપસ્થિત રહી વૃદ્ધ વડીલોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ તેઓને વૃદ્ધ પેન્શન કે વિધવા પેન્શન જેવી યોજનાનો લાભ મળે છે કે કેમ તે અન્વયે જાણકારી મેળવી હતી. તેમજ જે વડીલો લાભથી વંચિત છે તેઓને સત્વરે યોજનાકીય લાભ અપાવવા જરૂરી કાર્યવાહી કરવા કચેરીના સ્ટાફને સૂચના આપી હતી.
કાર્યક્રમમાં પી.એમ.જે.એ.વાય. – માં યોજનાના પ્રોજેકટ કોર્ડીનેટર નિયતીબેન રામાનુજ દ્વારા વડીલોને આયુષ્માન વય વંદના કાર્ડ વિશે માહિતી આપવામાં આવી હતી. તેમજ ૭૦ વર્ષ કે તેનાથી વધુ વયના તમામ વડીલોના આયુષ્માન વય વંદના કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતાં. આ સાથે સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક દ્વારા મહિલાઓની સુરક્ષા અર્થે કાર્યરત સખીવન સ્ટોપ સેન્ટર વિશે માહિતી આપવામાં આવી હતી તેમજ સરકારના ‘મિશન શક્તિ’ હેઠળ કાર્યરત ડિસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન યોજના હેઠળ ફરજ બજાવતા ડિસ્ટ્રીકટ મિશન કોર્ડીનેટર પ્રશાંત કુબાવત દ્વારા વડીલોને મહિલા અને બાળ વિભાગ હેઠળની તમામ યોજનાઓથી માહિતગાર કરવામાં આવ્યા હતાં. તેમજ ભવિષ્યમાં જરૂરી તમામ યોજનાકીય લાભ વડીલોને મળી રહે તે માટે એમ.પી.શાહ વૃદ્ધાશ્રમના કર્મચારીને જિલ્લા મહિલા અને બાળ વિકાસની કચેરીના સંકલનમાં રહી કાર્યવાહી કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.