માણસનું ભાવિ એની હસ્તરેખામાં હોય કે પછી એની કૂંડળી જોઇને ભવિષ્યકથન થઇ શકે. આદિત્ય યોગેશ ગઢવીની કૂંડળી એના કંઠમાં વસે છે. એકાદ દાયકા પહેલાં ઇ ટીવી પર રજૂ થતા ગુજરાતી સંગીત રીઆલિટી શો- લોક ગાયક ગુજરાતમાં 18 વર્ષના ફૂટડા જુવાન એવા આદિત્યે દાદ બાપુની રચના ઓમ નમઃ શિવાય….ગાઇ, એ પહેલાં કેટલાક દુહા રજૂ કર્યા.
ત્યારે સંગીતના જાણકારો, સૂરના પરખંદાઓ અને મારા જેવા સંગીતમાં સમજ નહીં પરંતુ ફક્ત રસ ધરાવનારાઓએ આગાહી કરી હતી કે આ છોકરો આગળ વધશે. આગાહી ખોટી પડી છે. કારણ કે એ આગળ નહીં ઘણો આગળ વધ્યો છે. આદિત્યની આ સૂરયાત્રા લોક ગાયક ગુજરાતથી આજે રજૂ થતા પ્રવાસ સંગીત રુપક ધન્ય ધરા ગુજરાત સુધીની છે. સોસિયલ મીડિયા પર છવાઇ જવું રહેલું છે. આદિત્ય તો એની કળા, એની પ્રતિભાને લીધે આજે ઘરે ઘરે ગવાઇ રહ્યો છે.
ગુજરાતી ભાષા ટકશે કે નહીં એવી સતત ચિંતામાં કેટલાક લોકો દુબળા થતા જાય છે ત્યારે હું હંમેશા કહેતો હોઉં છું કે આપણી ભાષાની આટલી ચિંતા કરવાની જરુર નથી. નવી પેઢી એને જાળવી જ લેશે. આદિત્ય અને એના મિત્રએ હમણાં એનું પ્રમાણ આપ્યું છે. પાંચ દિવસમાં એના એક સર્જનને 5 લાખ વ્યૂઝ મળ્યાં છે. વ્હાલા વાચકને પણ ખબર જ છે તો ય કહી દઉં કે આ ચારણ કન્યા કે રંગભીની રાધાની વાત નથી. આદિત્યે હમણાં કવીશ્વર દલપતરામની કવિતા ગાઇ છે. ઈંગ્લીશ મીડિયમમાં ભણતા હોય એવા ટીનએજ બાળકોથી માંડીને એમના દાદી-દાદા સુધી સૌ કોઈએ એને આવકાર આપ્યો છે અને એ કવિતા એટલે-
હતો હું સૂતો પારણે પૂત્ર નાનો
રડું છેક તો રાખતું કોણ છાનું
મને દુઃખી દેખી દુઃખી કોણ થાતું
મહા હેતવાળી દયાળી જ મા તું..
ભીને પોઢી પોતે સુખી કોણ થાતું
મહા હેત વાળી દયાળી જ મા તું.
કવિતા પોતે જ એટલી ભાવવાહિ છે કે સાવ સામાન્ય માણસ પણ એના ઢાળમાં પઠન કરે તો રુંવેરુંવે સંવેદના ઊગે. આદિત્યે એને કોઇ પ્રકારના ઢોળ ચડાવ્યા વગર મૂળ ઢાળમાં ગાઈ છે. બુલંદ અવાજ, કાવ્યનો બરાબર પકડેલો ભાવ, દૂધમાં કેસર ઘોળાય એમ એણે આ ગાયકીમાં સંવેદના ભેળવી છે.
સુંદર પિક્ચરાઇઝેશન છે. આખી કવિતા વધુ પડતા વાજિંત્રોના સહારા વગર ફક્ત પિયાનો પર જ વાગે છે. આ સરસ સ્વરાંકન કર્યું છે રચિંતન ત્રિવેદીએ. રચિંતન રાજકોટનું ગૌરવ છે. એ.આર.રહેમાન પાસે સંગીત શીખ્યો છે. અત્યારે પણ એની ઇન્સ્ટિટ્યૂટ માં જ છે. વાદ્યો-કમ્પોઝીશન્સમાં નાની ઉંમરે એની પણ સિદ્ધિઓ મોટી છે. આદિત્ય અને રચિંતન મિત્રો, સહાધ્યાયીઓ છે. સંભાવનાથી ભર્યા ભર્યા છે….
આદિત્ય ગઢવી નવી પેઢીનો યુવાન અને આ આટલી જૂની કવિતા એણે ગાઈ? પ્રશ્ન સહજ છે. જવાબ રસપ્રદ છે. એને આ કવિતા ભણવામાં નહોતી આવી. પણ એના દાદાએ બાયપાસ સર્જરી કરાવી ત્યાર પછી આદિત્ય એની પાસે બેઠો હતો. દાદાએ અચાનક આ કાવ્ય યાદ કર્યું અને કહ્યું કે, આ અમને નાનપણમાં ગવરાવતા. મને આ ગાતાં મારી મા યાદ આવે. આદિત્યના મનમાં એ દિવસથી શબ્દો અને એનો ઢાળ વસી ગયા. હવે એણે આ કવિતા ગાઈ છે. સુંદર સ્વરાંકન, આદિત્યે મંદ્ર સપ્તકમાં પણ ગાયું અને ઊંચા સૂરમાં પણ એ રચનાને લઇ ગયો. રચિંતને સરસ પિયાનો વગાડ્યો છે. બન્ને યુવાન મિત્રોને ઘણી ખમ્મા……
દેખાવે ગંધર્વ કુમાર જેવો. લાંબા વાળ, ગૌર વર્ણ, ચહેરા પર કાયમ સ્મિત. દુનિયાને પોતાનામાં સમાવી લેવા માટે તત્પર મોટી આંખો….ભરાવદાર મુછો….આદિત્ય ફિલ્મ ઇન્ડ્રસ્ટીમાં ગાયક તરીકે તો છે જ અભિનેતા તરીકે જશે તો ઘણાને અસર થશે. ધન્ય ધરા ગુજરાતમાં દરેક પ્રવાસન સ્થળની એની રજૂઆત, ગિરનાર વિશે વાત કરે કે કચ્છના સફેદ રણમાં ઊભો હોય, એની છટા આકર્ષક. સ્પષ્ટ ઉચ્ચાર, ચહેરાના સરસ એક્સપ્રેશન. વાણીનું ય વરદાન છે અને છોકરો કામદેવનો ય લાડકો છે. ઘણી શુભેચ્છા વ્હાલા.
ખુશનુમા અને સારી…સફર છે આ તારી ને મારી…જેવું હળવું ગીત પણ એના કંઠે જામે અને હેલ્લારોમાં એણે પ્લેબેક આપ્યું એમાં સપના વિનાની આખી રાત ગીતે વિષાદી સૂર છેડી દીધા…..ચારણ કન્યાની ય રજૂઆત દમદાર અને કરશન ભગવાન હાલ્યા….નું એનર્જેટિક પ્રેઝન્ટેશન. એના પિતા, ગુજરાતના જાણીતા લોક ગાયક યોગેશ ગઢવી પાસે આદિત્યે ગુરુ સામે શિષ્ય બેસે એમ બેસીને તાલીમ નથી લીધી. પણ એને જોઇ જોઇને એ શીખ્યો છે. સાંભળીને શીખ્યો છે. યોગેશભાઇ પણ ગુજરાતનું ગૌરવ છે. બાળપણમાં આદિત્યના કાનમાં હેમુ ગઢવીનો ઘૂંટાયેલો કંઠ રેડાયો. નારાયણ સ્વામીના ભજનો એમાં ભળ્યાં. એનું કાઠું જ એ રીતે ઘડાયું છે.
એ સૂર સંસ્કાર એણે ઝીલ્યા અને દીપાવી જાણ્યા છે. ઊજાળી જાણ્યા છે.. અને હા, એની સેન્સ ઓફ મ્યુઝિકની જેમ એની સેન્સ ઓફ હ્યુમર પણ જોરદાર છે એના વિશે ફરી ક્યારેક વાત……ઓલ ધ બેસ્ટ આદિત્ય. સૂરનું અજવાળું સતત પથરાય અને એનો સૂર્ય સદાય મધ્યાહ્ને તપે એવી મા સોનલને, મહાદેવને પ્રાર્થના.
જ્વલંત
૧૮- ૪- ૨૦૨૧