Thursday, April 24, 2025

આજના બાળકો એ ભવિષ્યના ભારતના જવાબદાર નાગરિકો છે : અધિક કમિશનર શ્રી બી.બી.વાહોનીયા

Advertisement
Advertisement
Advertisement

આજના બાળકો એ ભવિષ્યના ભારતના જવાબદાર નાગરિકો છે : અધિક કમિશનર શ્રી બી.બી.વાહોનીયા

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૪ના દ્વિતીય દિવસે કચ્છની વિવિધ શાળાઓમાં સવારથી જ બાળકોનો કલરવ ગુંજી ઉઠ્યો હતો. કચ્છના ભચાઉ તાલુકાના આધોઈ ખાતે આવેલી પ્રાથમિક શાળામાં અધિક કમિશનર અને ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના સીઈઓ શ્રી બી.બી. વાહોનીયાએ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને બાળકોને વ્હાલથી શાળામાં પ્રવેશ અપાવ્યો હતો.

આ પ્રસંગે સનદી અધિકારીશ્રી વાહોનીયાએ કચ્છના આતિથ્યને બિરદાવીને કહ્યું હતું કે, બાળકોને જોઈને મને મારૂં બાળપણ યાદ આવી ગયું. રાજ્ય સરકારે સમયાંતરે અત્યાધુનિક ટેક્નોલોજી અને સુવિધાઓથી ગામડાઓની શાળાઓને વિશ્વ સ્તરીય બનાવી છે. બાળકો નિયમિત રીતે શાળાએ આવે એવું સુંદર વાતાવરણના નિર્માણ ઉપર શ્રી વાહોનીયાએ ભાર મૂક્યો હતો.

પ્રવેશ મેળવનારા તમામ બાળકોને સ્નેહ સાથે આવકાર આપીને શ્રી વાહોનીયાએ ઉમેર્યું હતું કે, આજના બાળકો એ ભવિષ્યના ભારતના જવાબદાર નાગરિકો છે. આ બાળકો અધવચ્ચેથી શિક્ષણ છોડે નહીં તે જોવાની જવાબદારી વાલીઓ અને શિક્ષકો સાથે ગામના આગેવાનોની પણ છે. બાળકોને શિક્ષણની સાથે જીવનના મૂલ્યો શીખવવા ઉપર શ્રી વાહોનીયાએ ભાર મૂક્યો હતો. સ્કૂલ મોનિટરીંગ કમિટીનીમાં શ્રી વાહોનીયાએ સમિતિના સભ્યો પાસેથી વિગતો મેળવીને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. શ્રી વાહોનીયા સહિત મહાનુભાવોએ શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરીને બાળકોને વૃક્ષો ઉછેરવા પ્રેરણા આપી હતી.

શ્રી વાહોનીયા, ભચાઉ મામલતદાર શ્રી મોડસિંહ રાજપૂત,‌ ગામના સરપંચશ્રી રાજાભાઈ મણોદરા સહિતના મહાનુભાવોએ હર્ષની લાગણી સાથે આંગણવાડી તેમજ બાલવાટિકાના કુલ ૪૧ બાળકોને આધોઈ જુના ગામતળ શાળામાં પ્રવેશ અપાવ્યો હતો. તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરીને તેમની સિદ્ધિઓને મહાનુભાવોએ બિરદાવી હતી.

આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી પ્રકાશભાઈ પાટીલ, ભચાઉ બીઆરસી કોર્ડિનેટર શ્રી વિજયભાઈ પંડ્યા, આઈસીડીએસના પ્રીતિબેન પંડ્યા, આરબીએસકેના તબીબ ડૉ. મીનાબેન, ગામના આગેવાન સર્વશ્રી હિરાભાઈ, શ્રી કરશનભાઈ, શ્રી ગુલામભાઈ, શ્રી કાસમભાઈ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Total Website visit

1,502,271

TRENDING NOW