આરોગ્ય વિભાગના સહયોગથી 220 લોકોને વેકસીન મુકાઈ
મોરબી : જિલ્લામાં કોરોના વેકસીનેશન ઝડપી બને તે માટે આરોગ્ય વિભાગ પ્રયત્નશીલ છે ત્યારે મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા અલ્પવિકસીત વિસ્તારોમાં શ્રમિકવર્ગના તમામ લોકો રસી મુકાવે તેવા ઉમદા હેતુથી રસીકરણ ઉત્સવનું આયોજન કરી 220 લોકોનું એક જ દિવસમાં સફળતા પૂર્વક વેકસીનેશન કરાયુ હતું.
મોરબી શહેરના વોર્ડ નંબર-13માં વણકરવાસ, વાલ્મિકી વાસ, રબારીવાસ સહિતના વિસ્તારોમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આરોગ્ય વિભાગના સહયોગથી રસીકરણ ઉત્સવની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા આરોગ્ય શાખા દ્વારા આશરે 220 જેટલા ડોઝ ફાળવવામાં આવ્યા હતા જેનો આ વિસ્તારના શ્રમિક લોકોએ લાભ લીધેલ હતો.
માનવસેવા માટે હરહંમેશ અગ્રેસર રહેતા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારી અને તેમની ટીમ દ્વારા રસીકરણ ઉત્સવ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ તકે મોરબી જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારીયાએ પણ વિશેષ મદદ કરી હતી.
આ તકે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારી અને વોર્ડ નંબર ૧૩ના કાઉન્સિલર ભાનુબેન નગવાડિયાએ રસીકરણ ઉત્સવનો દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરાવ્યો હતો. રસીકરણ ઉત્સવ સફળ રહેતા આગામી દિવસોમાં બાકી રહેતા શ્રમિક સમુદાય માટે પુનઃ રસીકરણ આયોજન કરવા પણ તૈયારીઓ કરવામાં આવી હતી.
