મોરબી: અમરેલી જિલ્લાના રાજુલા સીટી ખાતે માર્કેટ યાર્ડની બાજુમાં આવેલ બિનઉપયોગી રેલ્વેની જમીન લોકોની સુખાકારી માટે ઉપયોગ થાય તે માટે ઉપવાસ પર બેસેલ રાજુલા, જાફરાબાદ, ખાંભા મત વિસ્તારના ધારાસભ્યને ન્યાય આપવાની માંગ સાથે આહીર એકતા મંચ દ્વારા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે.
આહીર એકતા મંચ મોરબી જીલ્લા પ્રમુખ રામભાઈ મિયાત્રા, મોરબી શહેર પ્રમુખ રમેશભાઈ જીલરીયા સહિતના અગ્રણીઓ દ્વારા મોરબી જીલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે, રાજુલા સિટીમાં બિન ઉપયોગી રેલ્વે લાઈનની જમીન આવેલ છે જમીન પર ખુબ ગંદકી પડેલ હોય અને લોકોની સુખાકારી માટે રાજુલા નગરપાલિકાને ફાળવવા વિસ્તારના જાગૃત ધારાસભ્ય અમરીશભાઈ ડેર દ્વારા રેલ્વે વિભાગની મંજુરીથી અમુક જમીનમાં વોકવે, બગીચો અને ચિલ્ડ્રન પાર્ક જેવી સુવિધા ઉપલબ્ધ કરાવવા હાથ ધરાયેલ કાર્યમાં સત્તા પક્ષના નેતાના ઈશારે કામ અટકાવવામાં આવ્યું છે અને અમરીશભાઈ ડેરની અટકાયત કરવામાં આવી છે.
આ જમીનના સાચા ઉપયોગથી આજુબાજુમાં આવેલ શૈક્ષણિક સંકુલો, હોસ્પિટલ, માર્કેટયાર્ડ અને હજારો લોકોને લાભદાયી નીવડે તેમ છે જમીનના સદુપયોગ માટે શાંતિપૂર્ણ ઉપવાસ પર બેસી લડત ચલાવી રહેલા ધારાસભ્યને આહીર એકતા મંચ સમર્થન જાહેર કરે છે. જેથી આવેદન પાઠવીને વહેલી તકે અમરીશભાઈને ન્યાય આપી લડતના પારણા કરાવવામાં આવે ત્તેવી માંગ કરીએ ટૂંક સમયમાં સરકકાર દ્વારા ઘટતું કરવામાં નહિ આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ગુજરાતભરમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.