રાજકોટ ડિવિઝનના સમર્પિત કર્મચારીઓ તેમના આદરણીય ગ્રાહકોને સુખદ અને સલામત મુસાફરીનો અનુભવ આપવા માટે હંમેશા તત્પર હોય છે ત્યારે ગઈકાલે તા. 09 માર્ચ, 2022 ના રોજ ડો. નીલિમા રાવ નામના મહિલા મુસાફરે આરપીએફ દ્વારકાના આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર હરેન્દ્ર કુમારને જણાવ્યું હતું કે તે અમદાવાદથી દ્વારકા ટ્રેન નંબર 19567 તુતીકોરીન-ઓખા વિવેક એક્સપ્રેસમાં બી-1 તે કોચમાં સીટ નંબર 59 પર મુસાફરી કરી રહી હતી અને નીચે ઉતરતી વખતે તેની બેગ ટ્રેનમાં જ ભુલાઈ ગઈ હતી. આરપીએફ સ્ટાફે તાત્કાલિક ઓખા આઉટ પોસ્ટ પર આની જાણ કરી હતી જ્યાં હેડ કોન્સ્ટેબલ વિજેન્દ્ર બગડિયા ઓખા ટ્રેનમાં ગયા અને આ બેગ મેળવી લીધી હતી. મહિલા મુસાફરના ઓખા સ્ટેશન આવ્યા બાદ માહિતીની સંપૂર્ણ ચકાસણી કરીને બેગ અને તેનો તમામ સામાન જેની કિંમત આશરે રૂ. 62,000 હતી જેમાં રૂ. 7530 રોકડ, એપલ કંપનીનો મોબાઈલ કિંમત રૂ. 50,000, ગોગલ્સ કિંમત રૂ. 4000 અને અન્ય લેડીઝ સમાન હતો, તે પેસેન્જરને પરત કરવામાં આવ્યો હતો.

આવી જ બીજી એક ઘટનામાં, ગત તા. 6 માર્ચ, 2022ના રોજ આકાશ તિવારી નામના મુસાફરે દ્વારકાના આરપીએફ આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર હરેન્દ્ર કુમારને જણાવ્યું હતું કે તે સોમનાથ થી દ્વારકા ટ્રેન નંબર 19251 સોમનાથ-ઓખા એક્સપ્રેસના HA-1 કોચની સીટ નંબર 25 અને 27 પર મુસાફરી કરી રહ્યો હતો અને નીચે ઉતરતી વખતે તેની પત્નીની બેગ ટ્રેનમાં જ ભૂલાઈ ગઈ હતી. ઓખા આઉટ પોસ્ટ પર આ માહિતી આપતાં જ આરપીએફના હેડ કોન્સ્ટેબલ વિજેન્દ્ર બગડિયા ટ્રેનમાં ગયા હતા અને તેમને આ બેગ મળી હતી. મુસાફરના ઓખા સ્ટેશન પર આવ્યા બાદ માહિતીની સંપૂર્ણ ચકાસણી કરીને બેગ અને તેનો તમામ સામાન જેની કિંમત આશરે રૂ. 39,000 હતી જેમાં વન પ્લસ કંપનીના મોબાઈલ, ગોગલ્સ અને લેડીઝ કટલરીનો સમાવેશ થાય છે તે પણ પેસેન્જરને પરત કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ચાલુ નાણાકીય વર્ષમાં રાજકોટ ડિવિઝનના આરપીએફ સ્ટાફે ઓપરેશન અમાનત હેઠળ અત્યાર સુધીમાં 68 મુસાફરોની ટ્રેન અને સ્ટેશન પર ભુલાએલી આશરે રૂ. 11.31 લાખની કિંમતી ચીજવસ્તુઓ સુરક્ષિત રીતે પરત કરી છે. રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર અનિલ કુમાર જૈન અને ડિવિઝનલ સિક્યોરિટી કમિશનર શ્રી પવન કુમાર શ્રીવાસ્તવે સંબંધિત રેલવે કર્મચારીઓની ત્વરિત કાર્યવાહી, પ્રમાણિકતા અને કામ પ્રત્યેના સમર્પણની પ્રશંસા કરી છે.