મોરબી જિલ્લામાં કોરોના સંક્રમણ વધતા ફરી લોકોને સાવચેતી માટે અપિલ કરાઈ રહી છે. તેમજ ઘર બહાર નીકળી વખતે ફરજિયાત માસ્ક પહેરવા તથા સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવા સોશ્યલ મિડિયામાં પણ મેસેજોથી અપિલ કરવામાં આવી છે. ત્યારે મોરબી સીરામીક ટ્રેડિંગ એસોસિએશન દ્વારા આજે મોરબીમાં જુદા-જુદા ચાર સ્થળે 10 હજાર માસ્કનું નિઃશુલ્ક વિતરણ કરાયું હતું.

મોરબી સીરામીક ટ્રેડિંગ એસોસિએશનના પ્રમુખ કે.કે.પટેલ અને તેમની ટિમ દ્વારા મોરબી ખાતે નવા બસસ્ટેન્ડ પાસે, ગેંડા સર્કલ, સીરામીક પ્લાઝા અને મહેન્દ્રનગર ચોકડી ખાતે માસ્કનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત ચારેય સ્થળોએ એન-95 પ્રકારના આશરે 10 હજાર માસ્કનું ગ્રેવીટી ઇન્ટરનેશનલના સૌજન્યથી નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં જાહેર માર્ગ પર વગર માસ્કે નીકળેલ લોકોને માસ્ક વિતરણની સાથે માસ્ક પહેરવા અપિલ કરી હતી. અને લોકોએ ઉત્સાહથી આ કાર્યને બિરદાવ્યું હતું. આ તકે કે.કે.પટેલે મોરબીની જનતાને બિનજરૂરી કામ શિવાય ઘર બહાર ન નીકળવું તથા બહાર નીકળતી વખતે હમેશા માસ્ક પહેરવું, સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવા અપિલ કરી હતી.
