હસીનાબેન લાડકા માસ્ક કે પીપીઈ કીટ પહેર્યા વિના ડેડબોડીને પેક કરે છે જેમની કાબીલેદાદ કામગીરીને રામધન આશ્રમના મહંતે બિરદાવી
મોરબી જિલ્લામાં કોરોના સંક્રમણ દીનપ્રતિદીન વધીને ફાટીને ધુમાડે ગયુ છે. અને કોરોના ગાંડોતુર બન્યો હોય તેમ સમ્રગ મોરબી જિલ્લાને બાનમાં લઈને ભરડો લીધો છે. જેને મોતનુ તાંડવ સર્જી તંત્રની કોઈ કારી ફાવે નથી રહી તેવા માહોલ વચ્ચે નજીકના મિત્રો કે સગા-સ્નેહીઓ કદાચ સંક્રમિત થાય તો સાવચેતી ખાતર તેમનાથી દુરી બનાવીને રાખીએ છીએ, ત્યારે કોરોનાથી મોત થાય અને એ સ્વજન હોય તો પણ આપણે તેની નજીક જવાનું વિચારી પણ શકતા નથી. ત્યારે મોરબીના એક એવા નીડર મહિલા કાર્યકર છે કે જેઓ મોરબીની સિવિલ હોસ્પિટલમાં કોવિડ દરમિયાન મૃત્યુ પામતા હતભાગીઓની એકદમ નજીક જઈને એક પરિવારજનની જેમ જ પુરા આદર-માન સન્માન સાથે ડેડબોડીની અંતિમવિધિ કરે છે તે કાબિલેદાદ છે આ મુસ્લિમ મહીલા જીવના જોખમે નિ:સ્વાર્થ ભાવે સેવા કરીને માનવતાની જ્યોત અખંડિત રાખી માનવતા દિપાવી રહ્યા છે.
જેમા મોરબીની સિવિલ હોસ્પિટલમાં વર્ષોથી દર્દીઓને પડતી હાલાકી વચ્ચે નાતજાતના બંધનથી ઉપર ઉઠીને કોઈપણ દર્દીની સેવા માટે હરહંમેશ તત્પર રહેતા સામાજિક કાર્યકર હસીનાબેન લાડકાએ હાલમાં કોરોનાની મહામારી વચ્ચે માનવતાની જ્યોતને દીપાવી છે શહેરની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ૧૫ દીવસથી કોરોનાથી મોતના બનાવો ઉતરોતર વધી રહ્યા છે જો કે આ તમામ ડેડબોડીના અગ્નિ સંસ્કાર કોવિડની ગાઈડલાઈન પ્રમાણે ફાયરબ્રિગેડ જ કરે છે.
પરંતુ ડેડબોડીને સ્મશાને લઈ જવા માટે પેક કરવી ફુલહાર તથા તેનો મોતનો મલાજો જળવાઈ તેવી તમામ વિધિ હસીનાબેન જીવન જોખમે નિ:સ્વાર્થભાવે કરે છે ગયા વર્ષથી કોરોનાથી મોતના બનાવો બનતા તેઓએ આ કાર્ય માનવ ધર્મ સમજીને જાતે જ ઉઠાવી લીધું હતુ એક વર્ષથી કોવિડથી મૃત્યુ પામેલા હતભાગીઓની સ્વજનની જેમ અંતિમ વિધિ કરે છે કોવિડ ડેથ બાદ ડેડબોડીને પેક કરવાની હોય છે જેથી કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાઈ આ કામ કપરું છે તેમ છતાં તેઓએ જીવના જોખમે જાતે જ ડેડબોડીને પેક કરીને તેમજ ફુલહાર ચડાવી પરિવારજનની જેમ પગે લાગીને અંતિમ વિધિ માટે સોંપે છે હસીનાબેનએ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ૧૫ દિવસમાં કોવિડથી મૃત્યુ પામેલા ૧૫૦ જેટલા લોકોની અંતિમવિધિ કરી છે.
જેમાં સંક્રમિત મૃતકોના કપડાં બદલવા ત્યાં આસપાસ સફાઈ કરવી અને કફન પહેરાવી આખેઆખી બોડી પેક કરવી એ કામ એક મહીલા કરી રહી છે તે જાણીને ભલભલાના હદયમાં ધ્રુજાવી આવી જાય એવું છે કારણ કે સંક્રમિત થવાનો બધાને ડર હોય છે પણ હસીનાબેને માનવ ધર્મને જીવનમાં એટલી હદે વણી લીધો છે કે તેઓ દિવસે તો ઠીક સિવિલમાં મોડીરાત્રે પણ બોડી પેક કરતા હોય છે ડેડ બોડીની સૌથી વધુ નજીક રહેતા હોય ત્યારે પોતે સંક્રમિત થયા છે કે નહીં તે માટે બેથી ત્રણ વખત ટેસ્ટ કરાવ્યો પણ ત્રણેય વખત નેગેટિવ રિપોર્ટ આવ્યો છે તેઓએ અત્યાર સુધીમાં બિનવારસી સહિત અંદાજે ૩૫૦ હતભાગીઓની અંતિમવિધિ કરી છે.
હસીનાબેને કોવિડથી મરતા લોકોને જોઈને વલોપાત વ્યક્ત કર્યો હતો તેમણે કહ્યું છે કે, કોરોનાને કારણે કોઈને કોઈનો અંધારસ્તંભ તો કોઈ દિકરા દિકરીઓ ઉપરથી માવતરની છત્રછાયા છીનવાઈ રહી છે. અંતિમ વિધિ કરતી વખતે મારુ હૈયું કંપી ઉઠે છે. દરેક ડેડબોડી જોઈને હું રડી છું. હવે તો રડી રડીને આંખો સૂઝી ગઈ ખાવાનું પણ ભાવતું નથી સ્વજનોના હૈયાંફાટ આક્રંદ જોઈને ઈશ્વર-અલ્લાહ સમક્ષ એક જ દુઆ માંગુ છું કે હવે તો કોરોનાને શાંત પાડો હદ બહારના મૃતકો જોઈને નીડર મુસ્લિમ મહીલાની હિંમતને દાદ આપવી જોઈએ કારણ કે તેઓ માસ્ક કે પીપીઈ કીટ નથી પહેરતા છતાં કોરોના છેટો રહ્યો છે. કોરોનાગ્રસ્ત દર્દીઓની અંતિમવિધિ માસ્ક કે પીપીઇ કીટ પહેર્યાં વગર કરતા હોવા છતાં આજ સુધી તેઓને ચેપ લાગ્યો નથી અત્યાર સુધીમાં તેઓએ ત્રણ વખત ટેસ્ટ કરાવ્યો છે પણ રિપોર્ટ નેગેટિવ જ આવ્યો છે. તેઓ આ અંગે કહે છે કે રોગને મોત તો ખુદાના હાથમાં છે. તેમની આ કામગીરીને મોરબી રામધન આશ્રમના મહંતે બિરદાવી સલામ કરી છે તેમજ લોકોએ પણ હસીનાબેનની કામગીરીને બિરદાવી રહ્યા છે.