મોરબી: ગુજરાત વિધાનસભાની જુદી-જુદી સમિતિઓની તાજેતરમાં રચના કરવામાં આવી છે. તેમાં મોરબી-માળીયા (મીં)ના ધારાસભ્ય બ્રિજેશ મેરજાની બે મહત્વની સમિતિઓ (૧) ગુજરાત વિધાનસભાના નિયમો અંગેની સમિતિ (૨) વિધાનસભામાં અપાયેલ ખાત્રીઓ અંગેની સમિતિના સભ્યપદે નિમણૂંક કરવામાં આવી છે.
વિધાનસભાની નિયમો અંગેની સમિતિ ખૂબ મહત્વની સમિતિ છે. તે સમિતિનું પ્રમુખપદ ખુદ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સંભાળતા હોય છે. આ સમિતિના અન્ય સભ્યોમાં વિધાનસભાના સિનિયર સભ્યઓ, વિપક્ષના નેતા વિગેરેનો સમાવેશ થતો હોય છે. ધારાસભ્ય બ્રિજેશ મેરજાની નિયમો અંગેની જાણકારી વિધાનસભાના કાયદા – કાનૂનના એક અભ્યાસુ તરીકેનું સૂઝ તેમજ વિધાનસભામાં કોઈપણ વિષયમાં ઊંડા ઉતરીને તલસ્પર્શી અભ્યાસ કરવાની વૃતિએ તેમની આ નિમણૂંકમાં અગત્યનો ભાગ ભજવ્યો છે.
તદુપરાંત ગુજરાત વિધાનસભામાં મંત્રીઓ તરફથી જે તે વિભાગ અંગે ધારાસભ્યઓએ ઉઠાવેલ પ્રશ્નો અને તે અંગે વિધાનસભામાં મંત્રીઓ તરફથી અપાયેલ ખાત્રીના અમલ માટેની મહત્વની એવી ખાત્રી સમિતિમાં ધારાસભ્ય બ્રિજેશ મેરજાની વિધાનસભામાં પ્રશ્નો અંગે સતત જાગૃત રહેવાની તત્પરતા અને તે પ્રશ્નો અંગે વિધાનસભામાં અપાયેલા જવાબો અંગેનો ખંતપૂર્વકનો અભ્યાસ એમની આ નિમણુંકમાં ખપમાં આવ્યો છે.
આમ, ગુજરાત વિધાનસભાની બે-બે મહત્વની સમિતિઓમાં મોરબીના ધારાસભ્યની ગૃહના શાશક પક્ષના નેતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ઉપનેતા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદી, સંસદીય બાબતોના મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, શાશક પક્ષના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ વિગેરેએ કરેલ આ સમિતિમાં પસંદગી બદલ તેમણે આભાર માન્યો છે.
અંતમાં ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જણાવ્યુ છે કે, તેમની આ બન્ને સમિતિઓમાં સભ્ય તરીકે પસંદગી થતાં મોરબીનું ગૌરવ વધ્યું છે. અને આ બન્ને સમિતિના સભ્ય તરીકે પોતે નીષ્ઠાપૂર્વક ફરજ બજાવી અપાયેલ જવાબદારી સભાનતા પૂર્વક નિભાવશે. ધારાસભ્ય બ્રિજેશ મેરજાની આ નિમણૂંક બદલ તેમને ઠેર – ઠેરથી મળી રહેલ શુભેચ્છાઓ અંગે પણ તેમણે જાહેર આભાર માન્યો છે. અને આ નિમણુંકથી મોરબી-માળીયા (મીં)ની પ્રજાએ ધારાસભ્ય તરીકે મને વિધાનસભામાં વિજેતા બનાવીને મોકલ્યા તેના ફાળે આ શ્રેય જાય છે તેમ જણાવ્યું હતું.