મોરબી: મોરબી જીલ્લામાં ૪૦૦૦ પેન્શનર સભ્યઓનું બનેલ મોરબી જિલ્લા પેન્શનર મંડળની કારોબારી સમિતિની લાલ બાગ, સેવા સદન ખાતે મળેલ બેઠકમાં ખાસ ઉપસ્થિત રહી મોરબી – માળીયા (મીં) ના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ મંડળની કામગીરીને બિરદાવી હતી.
જીવનનું આયખું લોકો કાજે સરકારી સેવામાં જુદા – જુદા ક્ષેત્રમાં નોકરી કરીને નિવૃત થયેલા સિનિયર સિટીઝન પરત્વે ધારાસભ્યએ આદરભાવ વ્યક્ત કરી તેમના સ્વાસ્થ્ય સબબ તેમજ મંડળના પ્રશ્નો અંગે જાણકારી મેળવી હતી. કોઈપણ નોકરી કરતી વ્યક્તિની નિવૃતિ સુનિશ્ચિત હોય છે પરંતુ નિવૃતિને પ્રવૃતિમાં બદલાવીને પેન્શનર એવા સિનિયર સિટીઝનોએ સામાજિક પ્રદાન માટે કાર્યરત રહેવાથી સ્વાસ્થ્ય પણ જળવાશે.

આ તકે જિલ્લા પેન્શનર મંડળના પ્રમુખ જીવણભાઈ ડાંગરે એવું જણાવ્યુ હતું કે કોઈ ધારાસભ્ય આ રીતે પેન્શનર મંડળને સામેથી મળવા આવ્યા હોય એવું પ્રેરક ઉદાહરણ આપણા બ્રિજેશભાઈ મેરજાએ પૂરું પાડીને આપણને પ્રોત્સાહન આપ્યું છે. પેન્શનર મંડળની મકાનની સુવિધા બાબતે રજૂઆત થતાં ધારાસભ્યએ સ્થળ ઉપરથી જ માર્ગ – મકાવ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર હિતેષભાઈ આદ્રોજા સાથે પરામર્શ કરી વહેલી તકે પેન્શનર મંડળને સુવિધાયુક્ત અને સગવડતાભર્યું મકાન ફાળવવાની તજવીજ હાથ ધરવી એમ જણાવેલું.

અગ્રણી ચંદુભાઇ હુંબલે આ તકે ધારાસભ્યની આવા નાના કાર્યક્રમમાં પણ ઉપસ્થિતિને બિરદાવી હતી. પેન્શનર સમાજના અગ્રણીઓ લખીરામ રામાવાત, મેવાડા, દવે, ઝાલા વિગેરેએ ધારાસભ્યને આવકાર્યા હતા. જિલ્લા પેન્શનર મંડળના પ્રમુખ જીવણભાઈ ડાંગરે ધારાસભ્યનું પુષ્પગુચ્છ અને સાલ ઓઢાળી બહુમાન કર્યું હતું. આ બહુમાનના પ્રત્યુતરમાં ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પેન્શનને લગતા કોઈપણ કામો અંગે તેમજ પેન્શનર મંડળના સભ્યશ્રીઓના પરિવારના સભ્યોના કોઈપણ કામો અંગે પોતે સતત જાગૃત રહી પેન્શનર મંડળ સાથે જોડાયેલા રહેશે એમ જણાવ્યુ હતું.
