મોરબીમાં માળીયા(મીં) ના હરીપર આંકડીયા રણ વિસ્તારમાં અગરિયા લોકોને મતદાન બાબતે જાગૃત કરવા કાર્યક્રમ યોજાયો
મોરબીમાં માળીયા(મીંયાણા) તાલુકાના હરીપર આંકડીયા રણ વિસ્તારમાં અગરિયા લોકોને મતદાન બાબતે જાગૃત કરવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને મોરબી કલેકટરશ્રી કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
મોરબી જિલ્લામાં દરેક વ્યક્તિ મતદાન બાબતે જાગૃત બને અને કોઈપણ મતદાર મતદાનના હકથી વંચિત ન રહે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ કામગીરી, આયોજનો તેમજ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને પછાત અને છેવાડાના વિસ્તારમાં લોકો જે મતદાન બાબતે જાગૃત નથી તે લોકોને જાગૃત કરવાના હેતુથી મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
મોરબીમાં માળીયા વિસ્તારમાં અનેક અગરિયાઓ વસવાટ કરી રહ્યા છે ત્યારે માળીયા (મીંયાણા) તાલુકાના હરીપર આંકડિયા રણ વિસ્તારમાં અગરિયા લોકોને મતદાન બાબતે જાગૃત કરવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને મોરબી કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી કે.બી. ઝવેરીએ જણાવ્યું હતું કે, તમારે કોઈપણ પ્રશ્નની રજૂઆત કે હક બાબતે રજૂઆત કરવી હોય તો મતદાનની ફરજ પણ અદા કરવી જરૂરી છે. આગામી ૭ મેના રોજ ૧૮ વર્ષથી ઉપરના તમામ લોકોને જરૂરથી મતદાન કરવા અપીલ કરી હતી અને આસપાસના લોકોને પણ પ્રેરણા આપવા તેમણે જણાવ્યું હતું. તમામ કામદારોને મતદાન કરવા સવેતન રજા આપવા પણ તંત્ર દ્વારા તમામ ઔદ્યોગિક એકમો કારખાના વગેરેને સૂચના આપવામાં આવી છે તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું.
આ પ્રસંગે આસપાસ વિસ્તારના અગરીયાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સર્વે ઉપસ્થિતોએ ‘હું અવશ્ય મતદાન કરીશ અને લોકશાહીને મજબુત બનાવીશ’ તેવા શપથ લીધા હતા.