
મોરબી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. ત્યારે સોશિયલ મીડિયામાં ઓડીયો ક્લિપ વાયરલ કરી અફવા ફેલાવનાર યુવાનને ભારે પડ્યું છે. પોલીસે યુવાનની ધરપકડ કરી કડક કાર્યવાહી કરી કાયદાના પાઠ ભણાવ્યા છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં એક ઓડિયો ક્લિપ વાયરલ કરવામાં આવી હતી. જેમાં આર્કીટોન સિરામિક ફેક્ટરીમાં 40 થી વધુ કોરોના પોઝિટિવ કેસ આવ્યા અને રાતોરાત કારખાનું શટડાઉન લઇ લીધું છે. જે ખોટી અફવા ફેલાય અને લોકોમાં ભય ઉભો થાય તે પ્રકારનો ઓડિયો વાયરલ કર્યો હતો. જે ઓડિયો વાયરલ થયા બાદ તાલુકા પોલીસ ટીમ હરકતમાં આવી હતી. અને ફેક્ટરીના પાર્ટનર સાથે પૂછપરછ કરી ખરાઈ કરતા સિરામિકમાં કોઈ કેસો આવેલ ના હોય અને સિરામિક ફેક્ટરી ચાલુ હોવાનું જણાવ્યું હતું. જેથી અજાણ્યા ઇસમ વિરુદ્ધ તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી. જેમાં ફેકટરીના કર્મચારી ધ્રુવ રમેશભાઈ ભાટિયા (રહે.ઉમા ટાઉનશીપ, શિવાલિક એપાર્ટમેન્ટ, મોરબી) વાળાની ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ ૫૪ તેમજ આઈપીસી કલમ ૫૦૧(૧) (ખ) મુજબ ધ્રુવ ભાટીયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.