મોરબી-માળીયા (મીં)ના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ મોરબીની સાંપ્રત કોરોના સ્થિતિ અંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય ખાતું સંભાળતા નિતિનભાઈ પટેલ સાથે વાત કરીને મોરબીના કોરોના દર્દીઓની જરૂરિયાત સંતોષવા માટે પ્રતિદિન ૨૦૦૦ રેમડેસિવિર ઈંજેકશનો ફાળવવા માંગણી કરી છે. સાથોસાથ તેમને જિલ્લાના પ્રભારી મંત્રી સૌરભભાઈ પેલ,સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારિયા, સાંસદ સભ્ય વિનોદભાઈ ચાવડા, અગ્ર સચિવ, આરોગ્ય વિભાગ, આરોગ્ય કમિશ્નર,પ્રભારી સચિવ મનીષા ચાંદ્રા, કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી સહિત કોર ગ્રુપ સમક્ષ જુદી – જુદી માંગણીઓ કરી છે.
જેમાં મોરબીમાં સિવિલ હોસ્પીટલ ઉપરાંત કોવિડની માન્યતા આપેલી અન્ય હોસ્પિટલોમાં પણ દર્દીઓનો વ્યાપક ઘસારો રહે છે. હાલની બેડની સુવિધા અપૂરતી છે તેમાં વધારો કરવો ખૂબ જરૂરી છે. જેથી મોરબીના દર્દીઓને રાજકોટ, જામનગર કે અન્યત્ર જવું ન પડે. તેમજ મોરબીમાં દાતાઓ ઉદાર હાથે સખાવત કરીને વહીવટી તંત્રના સહયોગમાં રેપિડ ટેસ્ટ કીટ, વેક્સિનના કેમ્પો, ઓક્સિજન અને વેન્ટીલેટરની સુવિધાઓ વધારી રહ્યા છે. પણ આ સુવિધા માટે પર્યાપ્ત મેડિકલ સ્ટાફ અપૂરતો હોય વેન્ટીલેટરની સુવિધાનો દર્દીઓને પૂરતો લાભ મળતો નથી. જેથી વેન્ટીલેટર નિષ્ણાંત ડોક્ટરોનો સ્ટાફ વધારવો જરૂરી છે.
મોરબીમાં જુદા – જુદા સમાજની તેમજ અનેક N.G.O. અને ઉધ્યોગકારોએ કોરોના કેર સેન્ટરની સુવિધા મોટા પ્રમાણમાં વિકસાવી છે. જેમાં અમુક જગ્યાએ ઓક્સિજન સુવિધા વાળી બેડો પણ ઊભી કરાયેલ છે. જેમાં એમ.ડી. કક્ષાના તજજ્ઞ ડોકટરોની સેવાઓ પણ મેળવાઈ રહી છે. આવા કોરોના કેર સેન્ટર ધરાવતા સંચાલકોની માંગણી છે કે તેમને એમ.ડી. તજજ્ઞના પ્રિક્રિપ્શન ઉપર રેમડેસિવિર ઈંજેકશનનો જથ્થો સેન્ટર ઉપર જ વહીવટી તંત્ર દ્વારા મળે તો વધુ સારું કામ થઈ શકે. અંદાજે આવા કોરોના કેર સેન્ટર માટે ૫૦૦ જેટલા રેમડેસિવિર ઈંજેકશનની માંગણી આવતી હોય છે જે સંતોષવી ખૂબ જરૂરી છે. (૪) મોરબીમાં ખાનગી હોસ્પિટલોને કોરોના હોસ્પિટલ તરીકે માન્ય ગણેલ છે તેવા ઈન્ડોર દર્દીઓ માટે ૫૦૦ જેટલા ઈંજેકશનોની માંગ રહે છે. તે પણ સમયસર સંતોષવી જરૂરી બનતી હોય છે. (૫) મોરબીમાં હોમ કોરન્ટાઈનથયેલા દર્દીઓને એમ.ડી. તજજ્ઞ ડોક્ટરોનાપ્રિક્રિપ્શન મુજબ ઈંજેક્શનો મળે તેવી અંદાજે ૫૦૦ જેટલી જરૂરિયાત રહેતી હોય છે. તો આવા દર્દીઓ માટે અલગ જથ્થો રાખવો જરૂરી છે.
મોરબી સિવિલ હોસ્પીટલમાં દાખલ દર્દીઓ માટે અંદાજે ૫૦૦ જેટલા રેમડેસિવિર ઈંજેકશનો તેમજ વેન્ટિલેટર અને ઓક્સિજન બેડ માટે તજજ્ઞ ડોક્ટરો અને સ્ટાફ તેમજ બાયોમેડિકલ ઇજનેરની સુવિધા આપવી જરૂરી છે. મનોવૈજ્ઞાનિક રીતે દર્દીઓના સગાઓ તરફથી તેવા સૂચનો મળે છે કે ઈન્ડોર દાખલ થયેલ દર્દીને કોરોના કરતાં તેની એકલતાનો હાવ કે ભય વધુ ડરાવતો હોય છે તેથી સમયાંતરે આવા ઈન્ડોર દર્દીઓ સાથે તેમના સ્વજનો વિડીયો કોલથી સંપર્કમાં રહી શકે તેવી સુવિધા અપાય તો આવા ડરને નિવારી શકાય.
રેમડેસિવિર ઈંજેકશનનો જથ્થો આગલા દિવસે જ મોરબી વહીવટી તંત્રને મળી રહે અને તેના ટોકન આપીને વિતરણ થાય તો ગેર વ્યવસ્થા થતી રોકી શકાય. મોરબીમાં ખાનગી કે સરકારી હોસ્પિટલોમાં કામ કરતાં હેલ્થ વર્કર અને ડોક્ટરો માટે ૧૦ % બેડ રિજર્વ રાખવી જોઈએ. ખાનગી હોસ્પિટલના આવા મેડિકલ સ્ટાફની આ રજૂઆત બાબતે પણ હકારાત્મક અભિગમ દાખવવો જોઈએ. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ફાળવવામાં આવેલ રેમડેસિવિર ઈંજેકશનના ઉપલબ્ધ્ધ જથ્થાની અને વિતરણની અપડેટ માહિતી લોકભોગ્ય બનાવવી જોઈએ જેથી લોકોમાં ધરપત રહે. આ બધી બાબતો અંગે તાકીદે ઘટતા નિર્ણયો લેવા ભારપૂર્વક જણાવ્યુ છે.