મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી લઈને ઉમેદવારોએ જોરશોરથી પ્રચાર શરૂ કર્યો છે. ત્યારે મોરબી જિલ્લાના અનેક ગ્રામ પંચાયતો સમરસ જાહેર થય છે. જ્યારે મોરબી તાલુકાના નારણકા ગામે એક જ પરિવારમાંથી આવતા ત્રણ સભ્યોએ ઉમેદવારી નોંધાવી છે.
જેમાં મોરબી તાલુકાના નારણકા ગામની ગ્રામ પંચાયત ની બેઠક અનુસૂચિત જાતિ સ્ત્રી અનામત સીટ હોવાથી એક જ પરિવારના દેરાણી-જેઠાણી અને ભત્રીજા વહુએ સરપંચ બનવાના સપના સાથે ઉમેદવારી નોંધાવી છે. જેમાં સરપંચ ઉમેદવાર તરીકે ચંપાબેન કાનજીભાઈ બોખાણી, અમરતબેન ધનજીભાઈ બોખાણી, ભાણીબેન ગોવિંદભાઈ બોખાણીએ ઉમેદવારી નોંધાવી છે. જ્યારે વોર્ડ નં.5માંથી કાકા-બાપાના દિકરા જયેશ કાનજીભાઈ બોખાણી તથા જયેશ ધનજીભાઈ બોખાણીએ ઉમેદવારી નોંધાવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નારણકા ગામે અનુસૂચિત જાતિ સમાજમાં બોખાણી પરિવારના 10 ઘર જ આવેલ છે. તેમાં પણ 3 સરપંચ તરીકે અને વોર્ડ.5 માં 2 સભ્ય તરીકે મળીને 5 ફોર્મ ભરાયા છે. સમગ્ર પંથકમાં આ ચર્ચાએ ભારે જોર પકડ્યું છે. જ્યારે બીજી બાજુ ગ્રામ પંચાયતની ચુંટણી જંગ જાણે પરિવારનો જંગ હોય તેવું પણ લોકોના મુખે ચર્ચાઈ રહ્યું છે.