વેજલપર તળાવના કાંઠે લીમડાના ઝાડ પર ફસાયેલા મોરને બચાવવા ગ્રામજનોએ વિજળીના કડાકા ભડાકા વચ્ચે ચાલુ વરસાદે રેસ્કયુ કરી મોરનો જીવ બચાવીને ફોરેસ્ટ વિભાગના કર્મચારી નિતિન ચૌહાણને સોપી મોરને સારવાર અર્થે ખસેડાયો
માળીયામિંયાણાના વેજલપર ગામે તળાવના કાંઠે મસમોટા ૧૦૦ વર્ષ જુના લીમડાના ઝાડ પર રાષ્ટ્રીય પક્ષી મોર ફસાયો હોવાની જાણ હનુમાન દાદાના મંદિરે દર્શન આવતા ગ્રામજનોને થઈ હતી. અને મોર જીવન મરણ વચ્ચે ૭૦ ફુટની ઉંચાઈએ ઝોલા ખાતો હોય આ અંગે ઉપસરપંચ મહેશ કૈલાને જાણ કરતા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અને મોરની ગંભીરતા જોઈને તુરંત ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી.
જેથી ફોરેસ્ટ વિભાગના કર્મચારી એન.જે.ચૌહાણ ત્વરિત વેજલપર દોડી આવ્યા હતા. અને મોરને બચાવવા જહેમત ઉઠાવી હતી. પ્રથમ ગ્રામજનોના અનેક પ્રયાસ બાદ મોર ૭૦ ફુટની ટોચ પર ફસાયો હોય ત્યાં ચાલુ વરસાદે કોઈ ચડી ન શકે તેવી પરીસ્થિતિ હોય છતા ગ્રામજનો હિંમત ન હારી માજી સરપંચ ગણેશભાઈ કૈલા મહેશ કૈલા અને ફોરેસ્ટ કર્મચારીની સંકટ સમયે સુજબુજથી ૭૦ ફુટની ઊંચે લઈ જવા ત્રણ લાંબા વાંસના કટકા ભેગા કરી ૩૦ જેટલા સેવાભાવી ગ્રામજનોએ ઊંચાઈ પર પહોચવા ચાલુ વરસાદે વિજળીના કડાકા ભડાકા વચ્ચે રેસ્કયુ હાથ ધરી એડીચોટીનુ જોર લગાવીને વાંસને ટોચ પર પહોંચાડ્યો હતો.
જોકે મોર નીચે પડવાનો ભય હોય મોરને ઈજા ન પહોંચે તે માટે ૧૦ લોકોએ પ્લાસ્ટીકના કાગળની જોલી બનાવી બિછાવી રાખી હતી અને ચાર કલાકની લાંબી જહેમત બાદ રાષ્ટ્રીય પક્ષી મોરને મહામહેનતે મોતના મુખમાંથી બચાવી નવજીવન આપ્યુ હતુ આમ રાષ્ટ્રીય પક્ષી મોરને બચાવી વેજલપર ગ્રામજનોએ રાષ્ટ્રીય પ્રેમની સાથે માનવતા મહેકાવી હતી. જોકે મોરને વધુ સારવારની જરૂર હોય ફોરેસ્ટ વિભાગના કર્મચારી નિતિન ચૌહાણને સોપી દેવામાં આવ્યો હતો અને સ્થળ પર જ ફોરેસ્ટ વિભાગના કર્મચારી એન.જે.ચૌહાણની પ્રાથમિક તપાસમાં મોર હેબતાઈ ગયો હોય અને વધુ પડતો વરસાદમાં પલળી ઠુઠવાઈ જવાથી અસકત અને ઈજાગ્રસ્ત જણાતા સારવાર માટે ખસેડવાનો નિર્ણય લીધો હતો વહેલી સવારથી અવિરત વરસતા વરસાદ વચ્ચે મોરને નીચે ઊતારવા મહેશભાઈ લોરીયા જીગાભાઈ કૈલા કૃણાલ કૈલા કિશોર ઉપાસરીયા જસમત સિચણાંદા જયેશ ઝીંઝુવાડીયા અને નથુભાઈ ઝીંઝુવાડીયા સહીતના સેવાભાવી લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી.
