માળીયામિંયાણાના ખાખરેચી ગામમાં માંદગીએ અજગરી ભરડો લીધો હોય તેમ એક જ દિવસમાં પાંચથી વધુ લોકોના મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી છે. હાલ સમ્રગ મોરબી જિલ્લામાં કોરોના મહામારીએ તાંડવ મચાવ્યુ છે ત્યારે ગ્રામ્ય વિસ્તાર પણ બાકાત રહ્યો નથી. અને ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળે છે.
જેમાં ખાખરેચી ગામે કોરોનાના ૧૦૦થી વધુ કેસો એકટીવ હોય હાલ ખાખરેચી ગામની પરીસ્થિતિ ગંભીર હોવાનુ જિલ્લા પંચાયત સદસ્ય મહેશ પારજીયાએ જણાવ્યું હતું. અને આ ગામની પરીસ્થિતિ વધુ વણસે એ પહેલા આરોગ્ય વિભાગે તાકીદના પગલા લેવા જોઇએ કારણ કે છેલ્લા ૧૦ દિવસમાં ૨૦થી વધુ લોકો મોતને ભેટતા ખાખરેચી ગામમાં સોપો પડી ગયો છે ટપોટપ મોતને ભેટતા લોકોનો મૃત્યુઆંક દીનપ્રતિદીન વધતા અરેરાટી વ્યાપી જવા પામી છે.
અત્રે ઉલ્લેખનીય છેકે એક દિવસમાં પાંચથી વધુ લોકો મોતને ભેટતા એક સાથે પાંચ-પાંચ બળતી ચિતાઓથી સ્મશાનમાં જગ્યા ટુંકી પડી હતી. જેથી ખાખરેચી ગામની સ્થિતિ બદતર બની જવા પામી છે. છતા ચુંટણી ટાણે મત માંગવા ફાફા મારતા નેતા ખાખરેચી ગામની મુલાકાત કે ખબર અંતર પુછવા હજુ સુધી ડોકાયા નથી અને ચુંટણી ટાણે મત માટે ઠેકડા મારતા નેતા હાલ ગોત્યા નથી જળતા જેથી ખાખરેચી ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે. હાલ દૈનીક એક-બે લોકો મોતને ભેટતા ખાખરેચી ગામમાં જાણે યમરાજાએ ધામા નાખ્યા હોય તેમ ગામ રામભરોસે હોય તેવી સ્થિતિ જોવા મળે છે.