મોરબી એસઓજીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન જુમાવાડી પાસે રોડની સાઈડમાં એક બોલેરો ગાડીમાં પ્લાસ્ટિકની કોથળીમાં શંકાસ્પદ કોલસા સાથે એક શખ્સ મળી આવ્યો હતો. તેમજ બાજુમાં દરિયા તરફના કાંઠે કોલસા ભરેલા પ્લાસ્ટિકના બાચકાનો ઢગલો કરેલ હતો. તેમજ આ કોલસાને દરિયામાંથી કાઢવા માટે ઉપયોગમાં લીધેલ એક પીલાણુ બોટ સાથે નાવિક મળી આવ્યો હતો. આ બન્ને શખ્સને કોલસાના જથ્થા સાથે પકડી પુછપરછ કરતાં સંતોષકારક જવાબ ન આપતા એસજીઓ ટીમે બન્ને શખ્સોને કોલસાને દરિયામાંથી કાઢવા ઉપયોગમાં લીધેલી બોટ, કોલસો ભરેલી બોલેરો ગાડી સાથે ઝડપી લીધા હતા અને આ શખ્સોએ ચોરીથી કે છળકપટથી આ કોલસો એકઠો કર્યો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવ્યું હતું. બન્ને શખ્સો પાસેથી કૂલ 268 નંગ કોથળાઓ જેનું વજન 5840 કિલોગ્રામ હતું અને આ કોલસાની કિંમત 23,360 જેટલી થવા પામે છે. આ મામલે માળિયા પોલીસ સ્ટેશનમાં આરોપી હારૂનભાઈ સુલેમાન સાઈચા (ઉં.વ. 60) (રહે. જુમાવાડી, નવલખી, તા. માળિયા) અને જાફરભાઈ ઓસમાણભાઈ પરાર (ઉં.વ. 30) ( રહે. જુમાવાડી, નવલખી, તા, માળિયા) સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.