મોરબી સિવિલ હોસ્પિટલ ખાતેના કાર્યક્રમ સહિત જિલ્લામાં ૭૦ બુથ પૈકી ૨૬ વેક્સિનેશન બુથ પર મહાનુભાવોની ઉપસ્થિતિમાં મહાઅભિયાનનો શુભારંભ
મોરબી: રાજ્યવ્યાપી શરૂ થયેલ કોરોના રસીકરણ મહા અભિયાનના ભાગરૂપે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી દેથરીયા, ડીડીઓ પરાગ ભગદેવ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાપકડા ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ શિહોરા, માળીયા ખાતે ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા સહિત અન્ય અગ્રણીઓ તેમજ મહાનુભવોની વિશેષ ઉપસ્થિતિમાં દિપ પ્રાગટ્ય કરી મહાઅભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
મોરબી જિલ્લામાં મહાભિયાનના ભાગરૂપે ૭૦ જેટલા વેક્સીનેશન બુથ પૈકી ૨૬ બુથ પર અગ્રણીઓએ રસીકરણની કામગીરી પ્રત્યક્ષ નિહાળી ૧૮ થી ૪૪ વર્ષથી વયજૂથની તમામ વ્યક્તિઓને રસીકરણ થઇ જાય તે માટે સંવેદનશીલતાથી કાર્ય કરવાં ઉપસ્થિત આરોગ્ય વિભાગના કર્મચારીઓને અનુરોધ કર્યો હતો. આ સાથે અગ્રણીઓએ મોરબી જિલ્લો કોરોનામુકત-વેકિસનેશન યુકત જિલ્લો બનાવવા અપીલ પણ કરી હતી.
જિલ્લામાં યુવા વર્ગનું સો ટકા રસીકરણ થાય તે માટે ગામે ગામ સરપંચ, સદસ્ય, તાલુકા જિલ્લા પંચાયત ના સદસ્ય અને તમામ આગેવાનો ગામે ગામ જાગૃતિ લાવવા માટે યુવાનોને રસીકરણ માટે પ્રેરણા આપી સહયોગ કરે તેવી ભાવના પણ વ્યક્ત કરી હતી.
