મંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે ‘સ્વચ્છ ભારત દિવસ’ ઉજવાયો
– સાંસદ પુરુષોત્તમ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતિ
– સ્વચ્છતા અભિયાન અંતર્ગત આયોજીત વિવિધ સ્પર્ધાના વિજેતાઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરાયા
– દિલ્હીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીના ઉદબોધનમાં વર્ચ્યુઅલી જોડાતા મહાનુભાવો અને રાજકોટવાસીઓ
સ્વચ્છ ભારત દિવસ અંતર્ગત શ્રમદાન કરી સ્વચ્છતા અભિયાનમાં જોડાતા મહાનુભાવો
રાજકોટ તા. ૨ ઓક્ટોબર- કૃષિ મંત્રી અને રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને રાજકોટ મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ‘સ્વચ્છ ભારત દિવસ’ ની ઉજવણી મહાત્મા ગાંધી મ્યુઝિયમ, રાજકોટ ખાતે યોજાઇ હતી.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી અને સ્વચ્છતા અભિયાન ‘ સ્વચ્છતા હી સેવા -૨૦૨૪’ અંતર્ગત ‘સ્વચ્છ ભારત દિવસ’ના આ કાર્યક્રમમાં મંત્રી રાઘવજીભાઈ પટેલે આજના કાર્યક્રમનું મહત્વ સમજાવતા કહ્યું હતું કે, પૂજ્ય બાપુનું “સ્વચ્છ ભારત”નું સ્વપ્ન પરિપૂર્ણ કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીએ બીડુ ઝડપ્યું, સમગ્ર ભારતમાં સ્વચ્છતા અભિયાનને શરૂ કરાવી જનજનમા સ્વચ્છતાની જ્યોત પ્રગટાવી લોકોને સ્વચ્છાગ્રહી બનવા પ્રેરણા પૂરી પાડી છે.
ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આ સ્વચ્છતા અભિયાન સક્રિય રીતે આગળ વધી રહ્યાનું જણાવી લોકોને આ સ્વચ્છતા અભિયાનમાં જોડાવા માટે શીખ આપતા કહ્યું હતું કે, આપણે આપણા ઘરની જેમ જ મહોલ્લા, ચોક, શેરી, ગામ, શહેર અને રાજ્યને સ્વચ્છ બનાવી સ્વચ્છ ભારતના સ્વપ્નને પરિપૂર્ણ કરવા આગળ આવીએ.
પ્રધાનમંત્રીના વર્ષ ૨૦૫૦ માં “વિકસિત ભારત”ના સંકલ્પને પરિપૂર્ણ કરવા સ્વચ્છ ભારતની છબી પણ ખૂબ મહત્વની હોવાનું મંત્રી રાઘવજીભાઈએ આ તકે જણાવ્યું હતું.
રાજકોટના સાંસદ પરષોત્તમ રૂપાલાએ તેમના ઉદબોધનમાં ગાંધીજીના સત્યાગ્રહ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો સ્વચ્છાગ્રહ ખૂબ મહત્વનો સાબિત થયો હોવાનું જણાવી કહ્યું હતું કે,આઝાદીની ચળવળમાં સત્યાગ્રહના પ્રભાવની જેમ જ દેશને સ્વચ્છ બનાવવામાં જન જનને સ્વચ્છ આગ્રહી બનાવવા આ અભિયાન સફળતાપૂર્વક આગળ વધી રહ્યું છે.નાગરિક ધર્મ બજાવી રોડ રસ્તા પર જાહેરમાં ગંદકી ન કરી સ્વચ્છ ગામ શહેર રાજ્ય અને દેશના આ અભિયાનમાં સહભાગી બનવા સાંસદ રૂપાલાએ ખાસ અપીલ કરી હતી.
મેયર નયનાબેન પેઢડીયા રાજકોટ શહેરને સુઘડ અને સ્વચ્છ બનાવી નિરામય બનાવવા માટે સૌ નાગરિકોને અપીલ કરી હતી.
કલેકટર પ્રભવ જોશીએ સ્વચ્છતા અભિયાન અંતર્ગત સમગ્ર જિલ્લામાં થઈ રહેલી સ્વચ્છતાની કામગીરીની રૂપરેખા પૂરી પાડી તાલુકા તેમજ ગ્રામ્ય લેવલે વિવિધ સ્પર્ધાઓના આયોજન અને મેડિકલ કેમ્પની કામગીરીની માહિતી આપી હતી.
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત દિલ્હી ખાતે આયોજિત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ઉદબોધનમાં રાજકોટથી મહાનુભાવો વર્ચ્યુઅલી જોડાયા હતા.
મહાનુભાવના હસ્તે સ્વચ્છ અભિયાન અંતર્ગત રાજકોટ શહેર તેમજ જિલ્લામાં યોજાયેલ વિવિધ સ્પર્ધાના વિજેતાઓને આ પ્રસંગે સન્માનિત કરવામાં આવ્યા હતા, તેમ જ સ્વચ્છ વોર્ડ, સ્વચ્છ ગામના વિજેતાઓને પણ સન્માનિત કરાયા હતા.
સ્વચ્છતા દિવસ કાર્યક્રમ પૂર્વે જયુબિલી ચોક સ્થિત મહાત્મા ગાંધીજીની પ્રતિમાને મહાનુભાવોએ પુષ્પાંજલિ અર્પણ કરી વંદન સાથે ભાવાંજલિ વ્યક્ત કરી હતી તેમજ મહાત્મા ગાંધી મ્યુઝિયમ સુધી પદયાત્રા કરી સ્વચ્છ ભારત દિવસ નિમિત્તે સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ શ્રમદાન કર્યું હતું.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર, અગ્રણીઓ સર્વે ડો. ભરતભાઈ બોઘરા, મુકેશભાઈ દોશી,મનીષભાઈ રાડીયા, વિરેન્દ્રસિંહ,લીલુબેન જાદવ, મ્યુનિસિપલ કમિશનર ડીબી દેસાઈ,જિલ્લા વિકાસ અધિકારી નવનાથ ગવ્હાણે,ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એ. કે. વસતાણી,નાયબ કમિશનર હર્ષદ પટેલ સહિત રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.