યાત્રાધામ ડાકોરમાં દિવાળી વેકેશનના છેલ્લા રવિવારે એક લાખથી વધુ લોકો દર્શન કરવા માટે આવ્યા હતા. ડાકોરની ચોતરફ ગાડીઓના પાર્કિંગ ફૂલ થઈ ગયા હતા. દિવાળી વેકેશનનો છેલ્લો દિવસ અને રવિવાર હોવાથી દ્વિતિય સત્રમાં ભણતર પૂર્વે ઠાકોરજીના દર્શનની ઝાંખી કરવા ડાકોરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટયું હતું.
ગામની ચારેબાજુ ગાડીઓના પાકગ ફૂલ થઈ ગયા હતા. ડાકોરની ગલીએ ગલીએ ભક્તોના ટોળા જોવા મળી રહ્યા હતા. ઠાકોરજીના મંદિરમાં પણ ભક્તોનો ભારે ઘસારો જોવા મળી આવ્યો હતો. ધક્કામુક્કીમાં વૃદ્ધો, બાળકો, મહિલાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. જ્યારે ડાકોર નગરપાલિકા તંત્ર અને પોલીસ તંત્ર દિવાળી વેકેશનનો છેલ્લો દિવસ અને રવિવારની ભીડ બાબતે સારી રીતે માહિતગાર હોવા છતાંય આવનાર યાત્રાળુઓની સુવિધા બાબતે નિષ્કાળજી દાખવી જેના કારણે આજે ડાકોરમાં કેલાય સ્વજનો ભીડમાં દબાઈ અટવાઈ ગયા હતા.
આમ ડાકોરના તંત્રની બેદરકારીને કારણે શ્રદ્ધાળુઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.