(અહેવાલ: ધવલ ત્રિવેદી દ્વારા)
ટંકારા તાલુકાના વિરપર ગામના યુવા અધિકારી મયુરભાઇ ભલોડીયા અને જુનાગઢના નાયબ મ્યુનિસિપલ કમિશ્નર જયસુખ લીખિયા દ્વારા તાજેતરમાં ઉત્તરાખંડના ઉતરકાશી જિલ્લામાં આવેલ કેદારકંથા ટ્રેકના પ્રવાસનું આયોજન કર્યું હતું.
ટ્રેકિંગ માટે હંમેશા તૈયાર રહેતા ટંકારા તાલુકાના વિરપર ગામના યુવા અધિકારી અને હાલ લખપત (કચ્છ)ના તાલુકા વિકાસ અધિકારી મયુરભાઇ ભાલોડીયા તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર-જુનાગઢ મહાનગરપાલિકાના જયસુખ લીખિયા દ્વારા ગત તા. 15થી 19 માર્ચ દરમિયાન કેદારકંથા ટ્રેક (3800 M, ઉત્તરકાશી, ઉત્તરાખંડ)નું આયોજન કર્યું હતું. જેમાં પ્રથમ દિવસે તેઓ મસુરીથી 175 કિલોમીટર દુર ટ્રેકિંગના બેઝ કેમ્પ સાંકરી ગામે પહોંચ્યા હતા. બીજા દિવસે ટ્રેકિંગ ગ્રુપ સાથે તેઓએ હિમાલયના પાઈન અને દેવદારથી ગીચ જંગલમાં ટ્રેકિંગ કર્યું હતું. ટ્રેકિંગના બીજા દિવસનું રાત્રિરોકાણ ‘જૂડા-કા-તાલ’ ખાતે તંબુમાં કર્યું હતું.
ત્યાથી બીજે દિવસે ફરી ટ્રેકિંગ કરી આખરી કેદારકંથા બેઝ કેમ્પ (3200 M) પહોંચ્યા હતા. ત્યારબાદ બીજા દિવસની મધ્યરાત્રિએ આખરી સમિટ ટ્રેક માટે નીકળ્યા હતા. આ ટ્રેક સંપુર્ણ બરફાચ્છાદિત પહાડમાં હતું. જેનો અલગ જ આનંદ હતો. સવારે 7 વાગ્યે સૂર્યોદય થતાં જ સમિટ પર પહોંચ્યા હતા. ત્યાંથી હિમાલય પર્વતમાળાનો અદભૂત નજારો જોવા મળ્યો હતો.(- 5 ડિગ્રી તાપમાન) હોવા છતાં ખુબ રોમાંચક અને યાદગાર પળો વિતાવી તથા વળતા બરફમાં સ્લાઈડીંગ કરતાં બેઝકેમ્પ પર પરત ફર્યા હતા. આ પ્રવાસ ખુબ જ યાદગાર રહ્યો હોવાનું તેઓએ યાદીમાં જણાવાયું હતું.
