જુના બસ સ્ટેશન નજીકથી ગુમ થયેલ બાળક ભચાઉ થી મળી આવ્યો.
થોડા દિવસ પૂર્વે મોરબીના જુના બસ સ્ટેશન નજીક થી બાળક ગુમ થઈ ગયેલ હોઈ જે અંગે અપહરણની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી બાદ પોલીસ દ્વારા આ અંગે શોધખોળ શરૂ કરી દેવામાં આવી હતી ત્યારે મોરબી એલસીબી ને ગુમ થયેલ બાળક ભચાઉ પાસેથી મળી આવ્યો હતો.
ત્યારે આ અંગે મળતી વધુ માહિતી મુજબ થોડા દિવસો પેલા બપોરના આશરે ૦૩/૦૦ વાગ્યાના અરસામાં મોરબી જુના બસ સ્ટેન્ડ પાસેથી કરણ રામકુમાર રામખેલાવન નટ બજાણીયા રહે. હાલ મોરબી નવલખી ફાટક પાસે, ઝુપડામાં મુળ રહે. પછપેડી તા.મસ્તુરી જિ. બિલાસપુર છત્તીસગઢ વાળાના પુત્ર ધર્મેન્દ્ર ઉ.વ. ૧૩ વર્ષ ૭ માસ વાળાનું કોઇ અજાણ્યા આરોપીએ કોઇ અગમ્ય કારણસર અપહરણ કરી લઇ ગયા અંગેની ફરિયાદ મોરબી સિટી એ ડિવીઝન પોલીસ મથકમાં તા.૮ ફેબ્રુઆરીના રોજ નોંધાઇ હતી.
બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઇ એલસીબી પોલીસ ઇન્સપેક્ટર ડી.એમ.ઢોલ દ્વારા બાળકને હેમખેમ તાત્કાલીક શોધી કાઢવા તથા આરોપી પકડી પાડવા સારૂ એલ.સી.બી. મોરબીની અલગ અલગ ટીમો બનાવી ઉપરોકત કામગીરી કરવા કાર્યરત કરતા આ અપહૃત બાળકનો ફોટો બતાવી તેમજ ટેકનીકલ માધ્યમ, હ્યુમન ઇન્ટેલીજન્સ દ્વારા અપહત બાળક અંગે હકિકત મેળવવા સઘન, તપાસ કરી કરાવતા હતાં તે દરમ્યાન ખાનગી બાતમી રાહે હકિકત મળેલ કે, આ બાળક હાલ ભચાઉ ખાતે હોવાનું જાણવા મળ્યું હતું. જેને પગલે એક ટીમને તાત્કાલીક ભચાઉ કચ્છ ખાતે મોકલી બાળકની તપાસ કરતા ભચાઉ ચાર રસ્તા ખાતેથી હેમખેમ મળી આવતા તેને પુછતા પોતે એકલો મોરબી જુના બસ સ્ટેન્ડથી બસમાં બેસી ભચાઉ મુકામે આવતો રહેલ હોવાનું જણાવેલ હોય જેને પરત લાવી આગળની કાર્યવાહી અર્થે મોરબી સિટી એ ડિવીઝન પોલીસ મથકને સોપવામાં આવેલ છે.