જિલ્લામાં ગુનાખોરીને અટકાવવા કામ કરતી મહત્વની શાખા એલસીબી અને એસઓજી માં એક જ અધિકારી પર બંને શાખા નો ચાર્જ કેટલો યોગ્ય ?
કોઈપણ જિલ્લા માં ગુનાખોરીને ડામવા માટે આમ તો સમગ્ર પોલીસ તંત્રની અલગ અલગ શાખાઓ કામ કરતી હોય છે પરંતુ મોટા ગુનાઓ અને અસામાન્ય ગુનાઓ ડિટેક્ટ કરવા માટે ટેકનિકલ સપોર્ટની જરૂર પડતી હોય છે ત્યારે તેના માટે એલસીબી એટલે કે લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને એસ.ઓ.જી એટલે કે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ આ બંને પોલીસ વિભાગની શાખાઓ કામ કરતી હોય છે ત્યારે જિલ્લામાં ગુનેગારોમાં ભય બેસે અને ગુનાખોરી ને અટકાવવા માટે એલસીબી અને એસઓજીની મહત્વની ભૂમિકા રહેતી હોય છે. પરંતુ જો આ બંને શાખાઓમાં જ અપૂરતો સ્ટાફ હોય તો જિલ્લાની પરિસ્થિતિ શું થાય ?
મોરબી જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં છેવાડાના ગામથી લઈ મોરબી શહેર અને જિલ્લાના દરેક તાલુકાઓ તેમજ 350 થી વધુ જેટલા ગામડાઓ માં તમામ જગ્યાએ દેશી અને વિદેશી દારૂ બેફામ મળે છે, અરે લોક મૂખે એવું પણ ચર્ચા રહ્યું છે કે આ દેશી અને વિદેશી દારૂના વિક્રેતાઓ એટલે કે બુટલેગરો પાસેથી પોલીસ વિભાગ દ્વારા હપ્તા ઉઘરાવવામાં આવતા હોય છે અને પોલીસ વિભાગ દ્વારા તેમને છાવરવામાં આવતા હોય છે ત્યારે દારૂબંધીના લીરેલીરા તો ઉડે જ છે પરંતુ સાથે સાથે જિલ્લાની અંદર દારૂનું દુષણ પણ વધી રહ્યું છે જેના કારણે અનેક પરિવારોને તેનું ભોગ બનવું પડે છે ઉપરાંત વિદેશી દારૂની સાથે સાથે ભેળસેળ યુક્ત કેમિકલ વાળો દારૂ પણ અનેક જગ્યાએ વહેંચાય છે જેનાથી ઘણા પરિવારો પણ બરબાદ થઈ જતા હોય છે. પરંતુ દારૂબંધી તો બંધ થવાનું નામ જ નથી લેતી. એટલે માત્ર ને માત્ર કહેવા માટેની અને ચોપડા પરની જ દારૂબંધી છે
બીજી તરફ જો વાત કરીએ તો જિલ્લામાં દિન પ્રતિદિન લુટ, મારામારી અને ધાડ તેમજ ચોરી ના કિસ્સાઓમાં પણ વધારો થઈ રહ્યો છે. એકાતરા જિલ્લા તેમજ શહેરમાં ચોરીના કિસ્સાઓ સામે આવતા હોય છે પછી એ મોટરસાયકલ હોય કે જેપુર ગામની અંદર થયેલ 27 લાખ રૂપિયા ના મુદ્દામાલની ચોરી હોય. કે પછી રાત્રે અગાસી પર સુતેલા મકાન માલિકના તાળા તોડી નીચેથી સોના ચાંદીના ઘરેણાઓની ચોરી કરી હોય. કે પછી બસ સ્ટેશનમાંથી બાઇકની ચોરી હોય, કે પછી બુરખો પહેરીને પાર્કિંગમાંથી થતી ગાડી ની ચોરી હોય દિન પ્રતિ દિન ચોરીના કિસ્સાઓ વધતા જઈ રહ્યા છે.
રામચોક નજીક વેપારીને ઘેરી માર મારી પૈસા પડાવવાની બાબત હોય, કે રિક્ષામાં બેસી ઉબકા આવવાના બહાના કરી પૈસા પડાવી લેવાનો કિસ્સો હોય, કે પછી રાત્રે જઈ રહેલા યુવાને રોકી તેની પાસેથી ઓનલાઈન ગૂગલ પે કરાવી લેવાનો કિસ્સો હોય, મોબાઈલ પડાવી લેવાનો કિસ્સો હોય, કે પછી સસ્તા iphone ના નામે છેતરપિંડી નો કિસ્સો હોય દિન પ્રતિદિન આવા છેતરપિંડી અને લૂંટના કિસ્સાઓ પણ વધી રહ્યા છે.
બીજી તરફ ખાટકીવાસમાં થતી હત્યા હોય, કે લીલાપર રોડ ના નાના નીચેથી મળતી લાશ, કે દુકાનની બહાર પાર્ક કરેલી ગાડી હટાવી લેવા બાબતે થયેલ હુમલો હોય, કે પછી ગાડી ઓવરટેક કરવા બાબતે થયેલ માથાકૂટ બાદ છરીના ઘા હોય, કે પછી રેલવે સ્ટેશન રોડ પર ગાડી ભટકાડીને હત્યાનો પ્રયાસ હોય,દિવસે ને દિવસે મારામારી અને હત્યાના બનાવવામાં પણ વધારો થઈ રહ્યો છે.
છેતરપિંડી અને વ્યાજખોરોની તો શું વાત કરવી, દસ લાખ ઉછીના લીધા હોય અને 80 લાખ ચૂકવી દીધા હોય છતાં પણ પઠાણી ઉઘરાણી હોય, કે શેર માર્કેટમાં રોકાણ કરવાની લાલચ આપી ૧.૭૬ કરોડની છેતરપિંડી હોય, કે પછી પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હોય, કે પછી ઓનલાઇન શેર બજારમાં ફાયદો કરી આપવા નું જણાવી લાખો રૂપિયાની છેતરપિંડી હોય આવા અનેક કિસ્સાઓ પણ દિન પ્રતિદિન સામે આવતા હોય છે.
પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે, લોક મૂખે એવી પણ ચર્ચા થઈ રહી છે કે, દારૂ વેચવો છે તો પોલીસને હપ્તો આપો અને બેફામ દારૂ વેંચો, સ્પા માં કુટણખાનું ચલાવું છે તો પોલીસને હપ્તા આપો, હાલ તો લોક મૂખે એવી પણ વાત ચર્ચા રહી છે કે, સ્પામાં ચાલતા દેહ વેપાર માટે એક પ્રાઇઝ લિસ્ટ પણ નક્કી કરવામાં આવ્યું છે જેમાં 5,000 થી લઈ 25 હજાર રૂપિયા સુધી રૂપિયાનો હપ્તો આપવામાં આવતો હોય છે. બધા જ સ્પામાં આવી દેહ વ્યાપારની પ્રવૃત્તિ નથી થતી, પરંતુ જે સ્પા માં થતી હોય છે, તેના માટે એક ચોક્કસ ભાવ પણ નક્કી કરવામાં આવ્યા છે. પૈસા આપી દો એટલે કોઈ મુશ્કેલી નહીં પડે બિન્દાસ કુટણખાનું ચલાવો તેવી ચર્ચા પણ લોકમુખે થઈ રહી છે,
ત્યારે આ બધાનો સાર એક જ છે કે દિવસે ને દિવસે સબ સલામતના દાવા કરતી આ સરકાર અને મોરબી પોલીસના તમામ દાવાઓ અંદરથી ખોખલા છે, ઉધય જે રીતે લાકડાને ખાઈ જતી હોય છે. તે જ રીતે આવા ભ્રષ્ટ અધિકારીઓએ કાયદાને અંદરથી ઓગાળી નાખ્યો છે. તમામ ગુનાખોરીની પ્રવૃત્તિઓ માટે ક્યાંક ને ક્યાંક હપ્તા રાજ ચાલુ જ છે. જેના કારણે દિન પ્રતિદિન જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડતી જઈ રહી છે.
તો બીજી તરફ વાત કરીએ પોલીસ તંત્રની તો એલસીબી અને એસઓજી જેવી શાખામાં પણ અપૂરતા સ્ટાફ અને એક જ અધિકારી પર બંને શાખાઓની જવાબદારીનું ભારણ હોવાના કારણે ક્યાંક ને ક્યાંક સંકલનનો અભાવ પણ જોવા મળી રહ્યો છે જેના કારણે આવા લુખ્ખા તત્વો અને અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે જેને કાયદા અને વ્યવસ્થાની કોઈ જ બીક ના રહી હોય તે રીતે વર્તન કરી રહ્યા છે. ત્યારે આ બંને શાખા એલસીબી અને એસઓજી માં મોરબી જિલ્લા એસપી થી લઈ ગૃહ મંત્રી હર્ષ સંઘવી સુધી એક જ રજૂઆત છે કે તાત્કાલિક ધોરણે આ બંને શાખાઓમાં અધિકારીઓની નિમણૂક કરવામાં આવે અને જે સ્ટાફ છે તેની પૂરતી ભરતી કરવામાં આવે જેના કારણે આ બંને શાખાઓ સુવ્યવસ્થિત સંકલન સાથે કામ કરી શકે અને જિલ્લામાં ગુનાખોરીને અટકાવી શકે.
સાથે હિન્દ વૈભવ ન્યુઝ નો એક જ હેતુ છે કે મોરબી જિલ્લાને કઈ રીતે ગુનાખોરી મુક્ત અને સુવ્યવસ્થિત સુશાસન સાથે પ્રગતિના પંથે લઈ જવો અને જિલ્લાના રહેવાસીઓ માટે કઈ રીતે વધુ સુખાકારી યુક્ત વાતાવરણ બનાવવું ત્યારે અમારી સાથે આ અભિયાનમાં જોડાઓ અને જિલ્લાને ગુનાખોરી અને આ ભ્રષ્ટાચાર રુપી ઉધય માંથી મુક્ત કરાવીએ અને જિલ્લાને એક પ્રગતિના પંથે લઈ જઈએ.
હાલ લોકોમાં એવી પણ વાત ચર્ચાઇ રહી છે કે એલસીબી અને એસઓજી દરિયાઈ કાંઠા પર થઈ રહેલા ગુનાઓ જેવા કે કોલસા ચોરી અને ઇંધણ ચોરી રોકે કે પછી શહેરની અંદર ની ગુનાખોરી રોકે ત્યારે આ અહેવાલ સાથે મોરબી જિલ્લા એસપી અને આઇજી તેમજ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીને હિન્દ વૈભવ ન્યુઝ તરફથી એક ખાસ વિનંતી કરવામાં આવે છે કે, જિલ્લામાં ભ્રષ્ટ અધિકારીઓને દૂર કરીને સાચા અર્થમાં કાયદો અને વ્યવસ્થા નું પાલન કરાવવા માટેની સ્વચ્છ છબી ધરાવતા હોય તેવા બાહોશ અધિકારીઓની નિમણૂક કરો સાથે એલસીબી અને એસઓજી કે જે ગુનાને ડામવા માટે પોલીસ શાખામાં મહત્વની ભૂમિકા ભજવે છે ત્યારે આ બંને શાખાઓમાં હાલ એક જ અધિકારી પર કાયદાનું પાલન કરાવવાનું ભારણ રહેતું હોય છે. ત્યારે આ બંને શાખાઓમાં અધિકારીઓની નિમણૂક કરવામાં આવે અને અપૂરતો સ્ટાફ છે તેની પણ નિમણૂક કરવામાં આવે જેથી કરી જિલ્લામાં શું વ્યવસ્થિત સુચારુ સંકલન સાથે કાયદો અને વ્યવસ્થાનું પાલન થઈ શકે
જાગો અપને આપમેં હિંદ વૈભવ હૈ સાથ મે