જામનગર શહેર અને જિલ્લો કાતિલ ઠંડીની લપેટમાં આવી ગયો છે. ઠંડીનો પારો નીચે ઉતરતો જાય છે, આજે વહેલી સવારે લઘુત્તમ તાપમાન 15.6 થી નીચે ચાલ્યું ગયું હોવાથી કાતિલ ઠંડીનો સામનો કરવો પડ્યો છે. ઉપરાંત મહત્તમ તાપમાન પણ ઘટ્યું છે. જયારે પવનની તીવ્રતામાં વધારો થયો છે. સમગ્ર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી ઠંડી અને ગરમી સહિતની મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, દરમિયાન ગઈકાલે રાત્રે ઠંડીનો પારો 15.6 ડીગ્રી સુધી નીચે ચાલ્યો જતાં ઠંડીનો સપાટો બોલી ગયો છે. અને શહેરીજનો ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા જોવા મળી રહ્યા છે.
છેલ્લા કેટલાક દિવસથી ઠંડી અને ગરમી સહિતની મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. રાત્રે ઠંડીનો માહોલ જયારે બપોરે આકરો તાપ ઉપરાંત વહેલી સવારે ઝાકળનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં ત્રણ દિવસથી વહેલી સવારમાં ઠંડીનો ચમકારો વધી ગયો છે, અને ઠંડીનો પારો ધીમે ધીમે નીચે સરકી રહ્યો છે.
દરમિયાન આજે સવારે 8.00 વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાન 15.6 ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું હતું, જયારે મહત્તમ તાપમાન ઘટીને 30.8 ડીગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 69 ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિમાં વધારો થયો છે, અને સરેરાશ પ્રતિ કલાકના 25 થી 30 કી.મી. ની ઝડપે રહી હતી. હાલાર પંથકમાં હજુ ઠંડીનો ચમકારો વધે તેવી શક્યતાઓ દર્શાવાઇ છે.