અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની શાળાઓમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના ૧.૭૦ લાખ બાળકોને સૌ પ્રથમ વખત બુટ-મોજા આપવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ઝીરો બજેટ અંતર્ગત રુપિયા પાંચ કરોડ તથા બાળકોને સ્પલીમેન્ટરી ફુડ આપવા માટે રુપિયા ત્રણ કરોડની ફાળવણી કરવામા આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ શહેરના વિવિધ વિસ્તારમાં ૪૫૦ જેટલી શાળાઓ આવેલી છે. આ શાળાઓમાં ૧.૭૦ લાખથી વધુ બાળકો અભ્યાસ કરે છે.સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ કહયુ, બાલવાટીકાથી ધોરણ-૮ સુધી અભ્યાસ કરતા બાળકોને હાલમાં સ્કૂલ યુનિફોર્મ આપવામા આવે છે.આ ઉપરાંત શૈક્ષણિક કીટ તથા બાલવાટીકા અને ધોરણ-૧ના વિદ્યાર્થીઓને સ્કૂલબેગ આપવામા આવે છે.સ્ટેન્ડિંગ કમિટી દ્વારા લેવામા આવેલા નિર્ણય મુજબ,બાળકોને સ્કૂલ યુનિફોર્મ સાથે બુટ અને મોજા પણ આપવામા આવશે.શહેરમાં મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ હસ્તકની ૧૨૯ શાળાઓને સ્માર્ટશાળા બનાવવામા આવી છે. ૭૫ શાળાઓને સ્માર્ટશાળા બનાવવાની કામગીરી પ્રગતિમાં છે.જાન્યુઆરી-૨૪થી બાલવાટીકાથી ધોરણ-૪ સુધીના બાળકોને ૨૦૦ મિલીલીટર દુધ આપવામા આવશે. ઉપરાંત બાલવાટીકાથી ધોરણ-૮ સુધીના બાળકોને સ્પલીમેન્ટરી ફુડ આપવામાં આવશે.