કાશ્મીર સહિતના પહાડી રાજ્યોમાં હિમવર્ષાની અસર તળે કચ્છમાં ધીમા ડગલે ઠંડીનાં પગરણ થયાં છે. જિલ્લામાં લઘુતમ તાપમાનમાં સામાન્ય ઉતાર-ચડાવ વચ્ચે ગુલાબી ઠંડીનો માહોલ યથાવત્ રહ્યો છે. મંગળવારે 18 ડિગ્રીએ રાજ્યના બીજા ક્રમના ઠંડાં મથક બનેલાં નલિયામાં તાપમાન એક ડિગ્રી ઊંચકાઇને 19.2 ડિગ્રીએ પહોંચ્યું હતું. સવારના ભાગે ઠંડો પવન ફૂંકાતાં ગરમીની તીવ્રતામાં ખાસ્સો એવો ઘટાડો જોવા મળ્યો હતો. ભુજમાં 21.6, કંડલા પોર્ટમાં 22.5 અને કંડલા (એ.)માં 21 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું તેની સામે મહત્તમ પારો ચારેય મથકોમાં 34થી 35 ડિગ્રી આસપાસ એટલે કે સામાન્ય આંકની નજીક નોંધાયો હતો. હવામાન વિભાગના જણાવ્યાનુસાર ચાર-પાંચ દિવસ લઘુતમ તાપમાનમાં કોઇ મોટા ફેરફારની શક્યતા નથી, પણ વાતાવરણીય પરિબળ જોતાં હવે ધીરે ધીરે ઠંડી પોતાનો સકંજો કસે તેવો માહોલ બંધાઇ રહ્યો છે.