મોરબી: ઉત્તરાયણના તહેવારમાં લોકો પંગત મહોત્સવ માણવા માટે રંગબેરંગી પતંગો ખરીદી કરતા હોય છે. ત્યારે દર વર્ષે બજારોમાં નવી નવી ડિઝાઈનો પતંગો જોવા મળે છે. જેમાં આ ઉત્તરાયણ મહોત્સવ નિમિત્તે તિરંગાવાળી અને દેવી-દેવતાના ફોટાવાળી પતંગ બનાવવા પર પ્રતિબંધ મુકવા ક્રાંતિકારી સેના મોરબી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રી અને તમામ સાંસદ તેમજ મંત્રીઓને સંબોધીને મોરબી જિલ્લા કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું.
ક્રાંતિકારી સેનાએ લેખિત રજુઆતમાં જણાવ્યું હતું કે, દર વર્ષે ઉત્તરાયણ પર બજારોમાં અશોક ચક્ર અને દેવી દેવતાઓના ફોટાવાળી પતંગો વેચાતી હોય છે. અને આ પતંગ લોકો ખરીદી ઉડાડતા હોય છે, ત્યારે આ પતંગો કટ થતાં ગંદકી વાળી જગ્યાઓ પર તેમજ અન્ય ખુલ્લેઆમ નીચે પડેલી જોવા મળે છે. ગત વર્ષથી પતંગોની અંદર ભારત દેશનાં તિરંગા કલર વાળી પતંગો માર્કેટમાં વેચાઈ રહી છે. આ પંતગોમાં અશોક ચક્રનો પણ સમાવેશ કરવામાં આવે છે. જેથી એવી પતંગે ખરેખર આપણા દેશનાં તિરંગાનુ સ્વરૂપ લઈ લીધેલ કહેવાય.
આ અંગે ક્રાંતિકારી સેના દ્વારા ગત વર્ષે આવી પતંગોનો વિરોધ કર્યો હતો. ત્યારે અધિકારીઓ તેમજ દુકાનદારોએ ઘણો સહયોગ આપેલ હતો, પરંતુ ખરેખર આવી પતંગોનું નિર્માણ ન થાય એ ખૂબ જરૂરી છે. ગત વર્ષે જ્યારે રજુઆત કરવામાં આવેલ ત્યારે લોકોએ તેમજ દુકાનદારોએ અમોને સૂચન કરેલ કે આવી પતંગો પર પ્રતિબંધ માટે આપ માંગણી કરો. તેથી ઉતરાયણ મહોત્સવનાં બે થી ત્રણ માસ પૂર્વે આ માંગણી કરી રહ્યા છીએ કે દેશનાં રાષ્ટ્રધ્વજ તેમજ હિન્દુ દેવી-દેવતાઓનાં અપમાન ન થાય તે માટે આવી પતંગો બનાવવા પર સરકાર દ્વારા સંપૂર્ણ પ્રતિબંધ લાદવો જોઈએ, અને રાષ્ટ્રહિત માટે તિરંગા પતંગ તેમજ હિન્દુ દેવી-દેવતાઓનાં ફોટાવાળી પતંગ પર પ્રતિબંધ મૂકો, જેથી કરીને રાષ્ટ્રીય ભાવના અને હિન્દુ ધર્મનું અપમાન ન થાય તેવી માંગ કરી હતી.