આણંદમાં ટૂંકી ગલી અને બસ સ્ટેન્ડના દબાણો ફરી હટાવાયા.આણંદ પાલિકા દ્વારા ટૂંકી ગલી અને બસ સ્ટેન્ડ વિસ્તારના દબાણો ફરી દૂર કરાયા હતા. જોકે, દબાણો હટાવ્યા બાદ પુનઃ ખડકાઈ જતાં હોવાથી દબાણો દૂર કરી, તે સ્થળે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે તેવી માંગ ઉઠી છે.
આણંદ નગરપાલિકા દ્વારા બુધવારે મોડી સાંજે શહેરની ટૂંકી ગલીના દબાણો દૂર કરી ગલીને સાફ કરી દેવામાં આવી હતી. તેમજ બસ સ્ટેન્ડ નજીકના દબાણોને પાલિકા દ્વારા ફરી ખસેડવામાં આવ્યા હતા. દબાણો દૂર કરવાની કામગીરી સમયે લોકોના ટોળા એકઠા થઈ ગયાં હતાં. જોકે, પાલિકાની ટીમ દ્વારા ટ્રેક્ટરમાં લારી, ગલ્લાં, છજ્જાઓ, વાંસડા સહિતના દબાણો ભરીને લઈ જવામાં આવ્યા હતા. નોંધનીય છે કે ,પાલિકા દ્વારા ટૂંકી ગલી, બસ સ્ટેન્ડ વિસ્તાર, જૂની પોસ્ટ ઓફિસ, સરકારી દવાખાના રોડ, અમૂલ ડેરી રોડ, શાક માર્કેટ, મિશન હોસ્પિટલ સહિતના સ્થળોએથી લારી-ગલ્લાં અને પાથરણાવાળાઓને હટાવવામાં આવે છે પરંતુ રાજકીય ઈશારે તમામ દબાણો પુનઃ ખડકાઈ જતાં હોવાની ફરિયાદો ઉઠી છે. પાલિકા દ્વારા દબાણો દૂર કરી, તે સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે તેવી માંગ ઉઠી છે.